– જુગલકિશોર વ્યાસ.
જોડણીની ભૂલોમાં હ્રસ્વ–દીર્ઘની ભૂલો સૌથી વધુ થાય છે. પછી બીજા નંબરે
કોઈ ભૂલો થતી હોય તો તે અનુસ્વારની. અનુસ્વાર ક્યાં આવે અને ક્યાં ન આવે તે
બાબત ઘણા લોકોને ખબર નથી હોતી. સારા સારા લેખકો આ પ્રકારની ભૂલો કરતા હોય
છે.આપણા કવિ શ્રી સુંદરમે આઠ કડીનું એક કાવ્ય સમાપન કડી સાથેનું લખ્યું છે. એ અનુસ્વારઅષ્ટક તરીકે ગુજરાતીભાષા સાથે સંકળાયેલા લોકોમાં બહુ જાણીતું અને લોકપ્રિય બનેલું. આ અષ્ટક અને તેની સમજૂતી વેબગુર્જરીના વાચકો – ખાસ કરીને લખનારાં સૌ કોઈ – માટે અહીં આજે પ્રગટ કર્યું છે.
સુંદરમ રચિત ‘અનુસ્વાર અષ્ટક’ની સમજૂતી – જુગલકિશોર વ્યાસહું બિંદુ સુંદર માત શારદને લલાટે ચંદ્ર શું,
મુજને સદા યોજો સમજથી, ચિત્ત બનશે ઈંદ્ર શું.
મુજ સ્થાન ક્યાં, મુજ શી ગતિ જાણી લિયો રસ પ્રેમથી,
તો સજ્જ બનશો જ્ઞાનથી, સૌંદર્યથી ને ક્ષેમથી. 1.
તો પ્રથમ જાણો હું અને તુંમાં સદા મુજ વાસ છે,
આ જ્ઞાન વિણ હુ-હુ અને તુ-તુ તણો ઉપહાસ છે.
(હું, તું , શું , નું, કયું, રહ્યું, ગયું, થયું, પળ્યું, ટળ્યું વગેરેમાં અનુસ્વાર આવે જ. ઉકારાંત એકવચનનાં આ બધાં ક્રિયાપદોમાં અનુસ્વાર આવે જ.)
હું કરુ-વાંચુ-લખુ જો જો એમ લખશો લેશ તો,
મા શારદાના રમ્ય વદને લાગતી શી મેશ જો.. 2.
(લખુ કે કરુ એમ મીંડા વિનાનું લખવું તે ભૂલ ભરેલું છે. )
નરમાં કદી નહિ, નારીમાં ના એકવચને હું રહું,
હું કિંતુ નારી-બહુવચનમાં માનવંતુ પદ ગ્રહું.
(નરજાતિમાં ક્યારેય અનુસ્વાર ન આવે ! નારીજાતિમાં એકવચનમાં તે ન આવે પરંતુ નારીજાતિના બહુવચનમાં તો અનુસ્વાર અચૂક આવે, આવે ને આવે !!) દા. ત. –
‘બા ગયાં’, ‘આવ્યાં બેન મોટાં’ એમ જો ન તમે લખો,
‘બા ગયા’, ’આવ્યા બેન મોટા’ શો પછી બનશે ડખો !. 3.
ને નાન્યતરમાં તો ઘણી સેવકતણી છે હાજરી,
લો, મુજ વિનાના શબ્દની યાદી કરી જોજો જરી.
(નાન્યતર જાતિમાં બહુવચને અનુસ્વાર વિના ન જ ચાલે !! નાન્યતર નામના વિશેષણમાં પણ છેલ્લે ઉકારાન્ત હોય એટલે એકવચનમાં પણ અનુસ્વાર આવશે. (વિશેષણના બહુવચનમાં તો એ આવે જ આવે. દા.ત. પેલું ફૂલ. ધોળું ફૂલ, નાનું ફૂલ, કેવું-વહાલું ફૂલ વગેરેના બહુવચનોમાં: પેલાં-ધોળાં-નાનાં-કેવાં-વહાલાં ફૂલો ! )
સૌ મુજ વિશેષણ એકને બહુવચનમાં રાખો મને,
યાચું કૃપા આ ખાસ, મારો ભરખ ત્યાં ઝાઝો બને. 4.
‘શું ફૂલ પેલું શોભતું’ ! જો આવું પ્રેમે ઉચ્ચરો,
‘શાં ફૂલ પેલાં શોભતાં’ ! બહુવચનમાં વાણી કરો.
મોજું નિહાળો એક નીરે, ત્યાં પછી મોજાં બને,
બમણાં અને તમણાં પછી અણગણ્યાં કોણ કહો ગણે ? 5.
(મોજું નાન્યતરજાતિ એકવચનમાં અનુસ્વાર આવે ને એના બહુવચનમાં પણ આવે : જેમ કે, મોજાં, બમણાં, તમણાં-ત્રણઘણાં વગેરે.)
ને બંધુ, પીતાં ‘નીર ઠંડું’ ના મને પણ પી જતા,
ને ’ઝાડ ઊંચાં’ પણ ચડો તો ના મને ગબડાવતા.
(નીર=પાણી નાન્યતર એટલે તથા ઝાડ પણ નાન્યતર એટલે અનુસ્વાર આવે. એના બહુવચને પણ સમજી લેવાનું જ. નાન્યતર જાતિનાં વિશેષણોમાં ઊંચાં ઝાડ / ઠંડાં પીણાં વ.)
બકરા અને બકરાં, ગધેડા ને ગધેડાં એક ના,
ગાડાં અને ગાંડા મહીં જે ભેદ, ભૂલો છેક ના. 6.
(બકરા,ગધેડા અને ગાંડા( પુરુષો જ ફક્ત !) હોય તો એને ટપકાં ન લાગે કારણ કે ચાંદલો પુરુષોને ન હોય ! પણ ગાડું નાન્યતર એટલે એના બહુવચન ગાડાંને અનુસ્વાર લાગે !! આ બધા ગાંડા (પુરુષો) ને ગાડાં (વાહન)નો આટલો ફેર !)
ને જ્યાં ન મારો ખપ,મને ત્યાં લઈ જતા ન કૃપા કરી,
નરજાતિ સંગે મૂકતાં, પગ મૂકજો નિત્યે ડરી.
(નરજાતિવાળા બહુવચનમાં હોય તોય અનુસ્વાર-ચાંદલા વિનાના જ હોય. પણ જો એમાં સ્ત્રીઓ પણ સાથે હોય તો પુરુષો અને સ્ત્રીઓ બધાં જતાં હતાં એટલે સ્ત્રીઓ (નારીજાતિ) સાથે હોય તેથી ચાંદલો લાગી જાય !! )
કો મલ્લને એવું કહ્યું જો, ‘ક્યાં ગયાં’તાં આપજી?’
જોજો મળેના તરત મુક્કાનો મહા સરપાવજી. 7.
(નરને માથે ચાંદલો કરવાની ભૂલ કોઈ પહેલવાનને, ક્યાં ગયાં હતાં ? એમ પૂછી જોજો ! મુક્કો મળી જશે !)
તો મિત્ર મારી નમ્ર અરજી આટલી મનમાં ધરો,
લખતાં અને વદતાં મને ના સ્વપ્નમાંયે વિસ્મરો.
હું રમ્ય ગુંજન ગુંજતું નિત જ્ઞાનના પુષ્પે ઠરું,
અજ્ઞાનમાં પણ ડંખું-કિંતુ એ કથા નહિ હું કરું. 8.
[ દોહરો ]–––––––––––––––––––––––––––––––––––––––––––––
અનુસ્વારનું આ લખ્યું સુંદર અષ્ટક આમ,
પ્રેમ થકી પાકું ભણો, પામો સિદ્ધિ તમામ.
છાપે છાપે છાપજો, પુસ્તક પુસ્તક માંહ્ય,
કંઠ કંઠ કરજો, થશે શારદ માત સહાય.
પાકો આનો પાઠ જો કરવાને મન થાય,
સૂચન એક સમર્પું તો, કમર કસીલો, ભાઈ !
નકલ કરો અષ્ટક તણી એકચિત્ત થઈ ખાસ,
અનુસ્વાર એંશી લખ્યાં પૂરાં, તો બસ પાસ.
અનુસ્વાર મુખ્ય બે પ્રકારના હોય છે : કોમળ અને તીવ્ર. તીવ્ર અનુસ્વાર સ્પષ્ટ સાંભળી શકાય, જ્યારે કોમળ અનુસ્વાર હળવા અને જલદી પસાર થઈ જતા લાગે.
ઉદાહરણો :
-
તીવ્ર : પંડિત, અંદર, મંગલ, ભીંડો, વંડી, કાંત વગેરે.કોમળ : હું, છું, શું, કાં, ત્યાં, વીંછી, પૂંછ, કાંતણ વગેરે.
1- નામના એકવચનમાં, નાન્યતર જાતિમાં છેલ્લે ઉકારાન્ત આવે ત્યારે અનુસ્વાર કરવાનો.
-
દા.ત. : પપૈયું, મરચું, રમકડું, ઘોડિયું, પાટિયું, છોકરું વગેરે.
-
દા.ત. : કાચું પપૈયું, લીલું મરચું, નાનું રમકડું, મઝાનું ઘોડિયું વગેરે.
-
દા.ત.: કાચાં પપૈયાં, લીલાં મરચાં; નાનાં; મઝાનાં વગેરે.
-
દા.ત. મારું, મારાં, તેનું, તેમનાં, માડી ઘરડાં થયાં; તેઓ ભલાં હતાં.
-
દા.ત. રમું, ભણું, તરું, હસું,…… મારું, વગેરે.
-
દા.ત. ખાઈશું, પીશું, રમીશું, જઈશું વગેરે.
-
દા.ત. કહેવું, જવું, દોડવું, શીખવું, લખવું, ઝઘડવું વગેરે વગેરે.
-
દા.ત. જતાં જતાં, બોલતાં, રમતાં રમતાં, મઝાક કરતાં કરતાં વગેરે.
10- અહીં, દહીં, નહીં માં અનુ.આવે. (નહિમાં જો હ્રસ્વ હિ હોય તો અનુસ્વાર ન આવે.)
11- પુરુષવાચક સર્વનામોમાં જેમ કે હું, મેં, તું, તેં, મારું, તારું આપણું, તમારું વગેરે
12- કેટલાંક સર્વનામો વગેરેમાં પણ અનુસ્વાર આવશે : પેલું, પેલાં, શું, કશું, કેવું, કેવાં વગેરે.
એક મઝાની વાત :
કેટલાક ટુંકા શબ્દોને અંતે ઉકારાંત આવે છે. જેમ કે સાબુ, ઝાડુ, આંસુ, તાંબુ, લાડુ વગેરેમાં અનુસ્વાર આવે કે નહીં તે જાણવાની એક કસોટી છે !
આવા શબ્દોની પાછળ નો કે થી કે માં પ્રત્યય લગાડી જુઓ. એમ કરવાથી જો શબ્દમાં ફેરફાર કરવો પડે તો સમજી લેવું કે એના મૂળ શબ્દને છેડે અનુસ્વાર આવે. દા.ત. તાંબું, ઝીણું, બીબું વગેરે શબ્દોની પાછળ નો, થી કે માં પ્રત્યય લગાડવાથી મૂળ શબ્દમાં ફેરફાર થઈ જશે: જેમ કે, તાંબાને/તાંબાથી/ઝીણાને/ઝીણાથી, બીબામાં/ બીબાને/બીબાથી વગેરે.
પરંતુ જો સાબુ, ઝાડુ, લાડુ વગેરેને પ્રત્યય લગાડો તો, સાબુથી/લાડુને/ઝાડુથી વગેરે, તો આ શબ્દોમાં ફેરફાર થતો નથી સાબુનું સાબુ જ રહે છે તેથી આ બધા શબ્દોની ઉપર અંતે અનુસ્વાર નહીં આવે. આવા શબ્દોને સંખ્યા લગાડો તો પણ મૂળ શબ્દ એમનો એમ જ રહે જેમકે પાંચ ઝાડુ, બે લાડુ.
બીજી એક કસોટી : શબ્દની પાછળ ઉકારાંત હોય અને એને બહુવચન કરતાં જ જો ઉ નો આ થઈ જાય તો તે શબ્દને અનુસ્વાર હોય, નહીંતર ન આવે. દા.ત. શાણુંનું બહુવચન કરવા જાઓ તો શાણાં થઈ જશે એટલે શાણું પર અનુસ્વાર હોય પણ જેનું બહુવચન કરતાં ફેરફાર ન થાય તો અનુસ્વાર નહીં હોય જેમ કે વહુનું બ.વ. વહુઓ થાય છે, વહાં નહીં !! જ્યારે પારણુંનું બ.વ. કરશો કે તરત જ પારણાં થઈ જશે !