Monday 4 April 2016

દર્શકનો ઈતિહાસ વિચાર

: રશ્મિબેન વ્યાસ
દર્શકની પ્રતિભા બહુમુખી છે. દાદા ધર્માધિકારીએ એક વાર કહેલું કે “મનુભાઈના હાથપગ રચનાત્મક કાર્યકરના છે. માથું રાજનીતિજ્ઞનું છે અને હૃદય સાહિત્યકારનું છે.” આમાં ઉમેરી શકાય કે તેમની નજર ઇતિહાસમર્મીની છે. શિક્ષણ, સાહિત્ય, રાજનીતિ, ઇતિહાસ, સમાજચિંતન, રચનાત્મક કાર્ય વગેરે પ્રવાહો તેમનામાં સંમિલિત થયા છે. તેમાંથી એકલો ઇતિહાસવિચાર તારવવો સહેલું નથી. કેમકે ટ્રેવેલિયન કહે છે તેમ ઇતિહાસ કોઈ એક વિષય નથી પણ જેનાં અનેક વિષયોના નિવાસ છે તેવું ઘર છે. આમ ઇતિહાસને અનેક વિષયો સાથે નાતો છે.
માણસ જાણે કે ન જાણે પરંતુ તેનું અસ્તિત્વ ઇતિહાસથી પર હોતું નથી. પરંતુ ઇતિહાસ શબ્દનો અર્થ ઘણો ઓછો સમજાયો છે. આપણે ભૂતકાળની ઘટનાઓને પણ ઇતિહાસ કહીએ અને ઘટનાઓના આલેખનને (પુસ્તકને) માટે પણ ઇતિહાસ શબ્દ વાપરીએ છીએ. અહીં દર્શકના ઇતિહાસ-વિચારમાં ભૂતકાળ અંગેનું દર્શન-વિવેચન અભિપ્રેત છે.
સામાન્ય રીતે આપણે ઇતિહાસ એટલે નિર્જીવ અતીત કે જેનો વર્તમાન સાથે દૂરદૂરનો કોઈ નાતો નથી એમ સમજતા હોઈએ છીએ. પરંતુ સમાજના અતીતનો પ્રવાહ વર્તમાનને સ્પર્શીને ભવિષ્યમાં પ્રવાહિત થાય છે. આથી એક રીતે વ્યક્તિ એકી સાથે ઇતિહાસનો લેખક અને પાત્ર બંને હોય છે. કેમ કે કોઈ વ્યક્તિ જ્યારે સમાજની ભૂતકાળની સ્મૃતિનું વૈજ્ઞાનિક અધ્યયન કરીને તેને લિપિબદ્ધ કરે ત્યારે ઇતિહાસ લખાય છે. લખનાર વ્યક્તિને તેનો પોતાનો આર્થિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક પરિવેશ હોય છે. આ પરિવેશ તેના ઇતિહાસલેખન પર નિશ્ચિત પ્રભાવ પાડે છે.
દર્શકના જન્મ અને જીવનઘડતરનો કાળ ભારત તેમજ વિશ્વમાં ભારે ઉથલપાથલનો કાળ હતો. બે વિશ્વયુદ્ધ વચ્ચેના સમય દરમ્યાન તેમનું ઘડતર થયું. આ સમયે ગાંધીજીના નેતૃત્વ નીચે ભારતની રાષ્ટ્રીય લડતે નવું જ સ્વરૂપ ધારણ કર્યું હતું. કિશોર વયે દર્શક પણ આ લડતમાં જોડાયા અને જેલવાસ પણ ભોગવ્યો. અહિંસક લડત, સત્યાગ્રહ, રચનાત્મક કાર્યક્રમો વગેરે પ્રવાહો ભાવનાશાળી યુવાનોને જંપવા દે તેમ ન હતા. આ વાતાવરણમાં દર્શક નાનાભાઈ ભટ્ટના સંપર્કમાં આવ્યા. વિધિસરના શિક્ષણ કરતાં ચડે તેવું અવિધિસરનું શિક્ષણ અને ઘડતર થયું. નાનાભાઈએ બુનિયાદી શિક્ષણનો ગામડામાં પાયો નાખ્યો, ગામડાંનાં લોકોના ઉત્થાન માટે પ્રયત્નશીલ રહ્યા. ગ્રામદક્ષિણામૂર્તિ અને લોકભારતી જેવી સંસ્થાઓ ઊભી કરી. તેમાં દર્શક જોડાયા. અહીં વેરાન જગ્યાએ આંબા-ચીકુની વાડીઓ લહેરાતી કરી. આ સમગ્ર પરિવેશ અને ગાંધીવાદી દર્શનથી પુષ્ટ બનેલ તેમનો અભિગમ તેમના સાહિત્ય સર્જનમાં ડોકાયા વગર રહેતો નથી.
મોટાભાગનું ગુજરાત દર્શકને સાહિત્યકાર તરીકે ઓળખે છે. પરંતુ તેમની મોટા ભાગની નવલકથાઓમાં ઇતિહાસનો સંદર્ભ છે. તેમની “બંદીઘર”માં સ્વાતંત્ર્ય-લડત, સત્યાગ્રહીઓ, જેલઅમલદારોની નિષ્ઠુરતા વગેરે સાથે ગાંધીયુગનો પ્રભાવ દર્શાવાયો છે. તો “બંધન અને મુક્તિ” ૧૮૫૭ના સંઘર્ષની કથા છે. તે ૧૯૩૯માં લખાયેલી. તે સમય આપણી રાષ્ટ્રીય લડતનો હતો. દેશપ્રેમ અને દેશ ખાતર મરી મીટવાની ભાવના હવામાં હતી. તેનો પડઘો તેમાં જોઈ શકાય છે.
ગાંધીયુગથી રચાયેલી બીજી નવલકથા છે “પ્રેમ અને પૂજા”. તે સમયનો સામાજિક ઇતિહાસ તથા દેશી રાજ્યોમાં આઝાદીની લડતનું સ્વરૂપ કેવા પ્રકારનું હતું તે તેમાં પ્રગટ થાય છે. અહીં અહિંસક શક્તિનાં વિજય-મહત્તા દર્શાવ્યાં છે.
૧૯૪૪માં પ્રગટ થયેલ “દીપનિર્વાણ” આપણને પ્રાચીન ભારતમાં લઈ જાય છે. ગ્રીસની જેમ અહીં પણ ગણરાજ્યો વિકસ્યાં હતાં. તેમનો દીપ કેવી રીતે ઓલવાયો તે આ નવલકથા દ્વારા તેમણે આલેખ્યું છે. અહીં દર્શક આધારગ્રંથોની સૂચિ પણ આપે છે. ભારતીય સંસ્કૃતિની સમન્વયકારિતા, બૌદ્ધ ધર્મનો વ્યાપ તેમાં પ્રદર્શિત થાય છે.
દર્શકની બહુ જાણીતી, લોકપ્રિય બનેલી નવલકથા – “ઝેર તો પીધાં છે જાણી જાણી” ૧૯૫૨માં પ્રગટ થઈ. તેમાં બે વિશ્વયુદ્ધો વચ્ચેનો સમય, યુરોપમાં આ “અશાંત શાંતિ”ના કાળની મથામણો, ભારતમાં ગાંધીયુગની અસર તથા બીજા વિશ્વયુદ્ધને વણી લેવાયાં છે. દર્શક અહીં પણ આધારગ્રંથોની યાદી આપે છે. આખી નવલકથામાં બુદ્ધ, ઈસુ અને ગાંધી યુદ્ધ અને મહાસંહારના ગાઢ અંધકારમાં પ્રકાશદીપ સમાન ઊપસ્યા છે. યુદ્ધ નહીં પણ અહિંસા; વેર નહીં પણ ક્ષમા જ માનવજાતનો તરણોપાય છે તેવો સૂર સ્પષ્ટ સંભળાયા કરે છે.
સોક્રેટીસ દર્શકનું પ્રિય ઐતિહાસિક પાત્ર છે અને ગ્રીસ તેમનો પ્રિય દેશ. આ નવલકથા આપણા દેશમાં ઇંદિરાશાસન દરમ્યાન લોકશાહીનું નાવ હાલકડોલક થઈ રહ્યું હતું ત્યારે એટલે કે ૧૯૭૪ (નવનિર્માણ આંદોલન)માં રચાઈ હતી. તે સમયે લોકશાહીની ઠેકડી ઊડતી જોઈને આ નવલકથા લખવાની પ્રેરણા થઈ. સત્તાના રાજકારણમાં પડીને નહિ પણ લોકોને સમજાવીને સુધારણા થઈ શકે તેવી સોક્રેટીસને પ્રતીતિ હતી. દર્શક લખે છે કે, “આપણા કથળેલા સમયમાં સોક્રેટીસને આપણી વચ્ચે હરતો ફરતો કરવો તે મારો મૂળ હેતુ છે.”
ઇતિહાસના સંદર્ભમાં સાહિત્યકાર અને ઇતિહાસકાર બંનેનું કાર્ય અલગ પ્રકારનું છે. “ઐતિહાસિક નવલકથાકારે કાળને મુઠ્ઠીમાં બાંધવો પડે છે.” તેમ દર્શક લખે છે. પરંતુ ઇતિહાસકારનું કામ તો કાળની ગઠરી છોડવાનું છે. ભૂતકાળની હકીકતો એકઠી કરવી, તેની ચકાસણી કરવી અને તેના આધારે તે કાળની મૂલવણી કરવી તે ઇતિહાસકારની પ્રક્રિયા છે. દર્શકના મતે “હકીકત કરતાંયે યુગચેતનાની પિછાન મહત્ત્વની વસ્તુ છે. ઇતિહાસનું એ પ્રાણતત્ત્વ છે. ઇતિહાસકાર પ્રત્યેનું ઋણ અદા કરવા ઐતિહાસિક નવલકથાના લેખક પોતાની નવલકથામાં યુગચેતના કે યુગસંકેતને રજૂ કરી શકે તો પોતાનું કામ સફળતાથી કર્યું કહેવાય. હકીકતો વિશે ભલે એટલો આગ્રહ ન રાખે” (સોક્રેટીસ પૃ.૪૪૦) પરંતુ ઇતિહાસકાર માટે યુગચેતનાને પિછાનવા હકીકતોનો જ આધાર જોઈએ ને ? સાહિત્યકાર હકીકતો અંગે જે છૂટછાટ લે છે તેવી ઇતિહાસકાર લઈ શકે નહિ.
આપણા પર એક દોષારોપણ થાય છે કે આપણે ઇતિહાસલેખન પ્રત્યે ઉદાસીન પ્રજા છીએ. તેમાં તથ્ય પણ છે. અંગ્રેજોએ જ્યારે આપણો જ ઇતિહાસ લખીને પોતાનો પક્ષ મજબૂત કરવાનો પ્રયાસ શરૂ કર્યો ત્યારે કેટલાક ભારતીય વિદ્વાનોએ પણ રાષ્ટ્રીય હિત માટે ઇતિહાસલેખન શરૂ કર્યું. જેમ્સ મિલ અને વિન્સેન્ટ સ્મિથ જેવા અંગ્રેજ ઇતિહાસકારોએ ભારતમાં અંગ્રેજરાજ્યને ન્યાયસંગત સાબિત કરવાની કોશિષ કરી તો સામે પક્ષે કે. પી. જયસ્વાલ, શિબલ નુમાની, એચ. વી. રાયચૌધરી, રાધાકુમુદ મુખર્જી વગેરેએ ભારતના ભૂતકાળનું ગૌરવ કરી રાષ્ટ્રીય ચેતનાને પુષ્ટ કરી. તે સાથે કેટલાક અભ્યાસુ વિદ્વાનોએ તટસ્થ અભ્યાસ શરૂ કર્યો અને કહ્યું કે ઇતિહાસ તો જજ છે, વકીલ નહીં. જદુનાથ સરકારે વૈજ્ઞાનિક ઢબે સંશોધન કર્યું. તેમણે દેશપ્રેમ કરતાં પણ સત્યની શોધને મહત્ત્વની ગણી.
પરંતુ આ પ્રકારનો ઇતિહાસ મોટે ભાગે વિદ્વાનો દ્વારા અને વિદ્વાનો માટે લખાતો હતો. તેમાં સામાન્ય જનતાને લક્ષમાં નહોતી લેવાતી. દર્શકે સામાન્ય લોકોની ઇતિહાસસમજ વધારવા માટે લખ્યું. ઇતિહાસના ક્ષેત્રે તેમનું ઉત્તમ પુસ્તક છે, “આપણો વૈભવ અને વારસો.” તે પ્રાચીન ભારતના સામાજિક-સાંસ્કૃતિક પ્રવાહને આલેખે છે. સામાન્ય રીતે ઇતિહાસલેખકો વાચકો પ્રત્યે બેરહેમ બનતા હોય છે. નરી હકીકતો ઠાંસીઠાંસીને ભરી દે. સામાન્ય વાચકો કે લોકો માટે ઇતિહાસ લખાતો નથી. દર્શક આ દોષોથી મુક્ત છે. “આપણો વૈભવ અને વારસો” રાજકીય ઇતિહાસ નથી. તેમાં પ્રાચીન ભારતના સમાજજીવનના વિવિધ પ્રવાહોનું આલેખન એટલી રસાળ શૈલીમાં છે કે તે માત્ર ઇતિહાસ નહીં, સાહિત્યની દૃષ્ટિએ પણ સુંદર પુસ્તક છે. દર્શકનો ઇતિહાસનો અભ્યાસ અને સાહિત્યિક પ્રતિભા બંનેનો સમન્વય તેમાં જોવા મળે છે. અહીં પ્રાચીન ભારતના ઇતિહાસના પ્રવાહો, સમાજનાં સંઘર્ષો-સમાધાનો, પ્રજાનાં મનોવલણો અને સિદ્ધિઓ વગેરે સ્પષ્ટ કરવા દર્શકે વેદો, ઉપનિષદ કથાઓ, રામાયણ-મહાભારત, બૌદ્ધકથાઓ ઉપરાંત સંત-સાહિત્ય, પ્રેમાનંદ અને શરદચંદ્રના સાહિત્યનો પણ પોતાના મતની પુષ્ટિ અર્થે ઉપયોગ કર્યો છે!
દર્શકની મજા એ છે કે તેમની સાહિત્યકૃતિ વાંચીએ તેમાં તેમનામાં રહેલા ઇતિહાસઅભ્યાસીની ઝાંખી થાય અને તેમનું ઇતિહાસ સંબંધી લખાણ વાંચીએ તેમાં સાહિત્યકારની ઝાંખી મળે. તેમનામાં રહેલો શિક્ષક તો બધામાં હોય ! તેમની ગ્રીસ તથા રોમની ઇતિહાસકથાઓ તેનું દૃષ્ટાંત છે. માત્ર વિદ્યાર્થીઓને જ નહીં મોટાઓને પણ વાંચવાની મજા પડે તેવી છે.
તેમના ઇતિહાસદર્શનનો વ્યાપ મોટો છે. ‘ઇતિહાસ બોધ’માં તેઓ ભારતીય સંસ્કૃતિના ભરતી-ઓટનું તટસ્થ વિશ્લેષણ કરે છે. માત્ર આપણા ભૂતકાળની મહત્તા જ ગાવાને બદલે આપણા દોષો તરફ ધ્યાન દોરે છે. દર્શકના મતે આપણા દોષો કે ઊણપો આ છે : (૧) પરલોક-અભિમુખતા (૨) ઐહિક જીવન વિષે કેળવાયેલો તુચ્છભાવ (૩) અવૈજ્ઞાનિકતા (૪) જડ વર્ણવ્યવસ્થા (૫) શરીરશ્રમ તરફની સૂગ (ઇતિહાસબોધ પૃ.૧૭)
પરલોકાભિમુખતાએ ઐહિક જીવન પ્રત્યે ઉપેક્ષાભાવ વધાર્યો હોય તેવો સંભવ છે. પરંતુ આવી ઉદાસીનતા પ્રગટી કયાંથી ? વૈદિક આર્યોમાં તો તે જોવા મળતી નથી. બૌદ્ધ ધર્મના પ્રચાર સાથે સંસાર દુઃખમય છે અને તૃષ્ણાના ત્યાગથી જ સાચું સુખ મળી શકે તેવો ઉપદેશ ચોમેર પ્રસરી ગયો. તેણે ઈહ જીવન પ્રત્યે ઉદાસીનતા, સંસારથી નિવૃત્તિને ઉત્તેજન આપ્યું હોય તેમ બને. આ ધર્મના પ્રભાવ નીચે હજારો યુવાનો ઘર છોડી ભિક્ષુ બની જતા હતા તે જાણીતી વાત છે. પાછળથી બ્રાહ્મણધર્મનું પુનરુત્થાન થયું. શંકરાચાર્યે બૌદ્ધધર્મને આખરી ફટકો માર્યો ત્યારે પણ ‘બ્રહ્મ સત્ય, જગત મિથ્યા’નું સૂત્ર પ્રસરી રહ્યું. આ મનોવલણને મુસ્લીમ આક્રમણો સામેના પરાજયની પુષ્ટિ મળી. પ્રજા તેજહીન ને પુરુષાર્થહીન બનતી ગઈ.
આપણી નબળાઈ વધારવામાં કર્મફળની વિચારધારાએ પણ ભાગ ભજવ્યો હોવાનો સંભવ છે. જે કંઈ થાય છે તે બધું આપણા આગલા જન્મોનાં કર્મ પ્રમાણે થાય છે. નીચા વર્ણમાં જન્મ લેનાર તે રીતે આગલા જન્મનું કર્મફળ પામે છે.
આ પ્રકારની વિચારધારાને કારણે જે કંઈ પરિસ્થિતિ છે તે અનિવાર્ય છે અને તેમાં કંઈ કરવાપણું રહેતું નથી. ‘જેવાં જેનાં કર્મ તેવાં તેનાં ભાગ્ય’ એવા સમાધાનમાં પ્રજાએ રાચ્યા કર્યું. સામાજિક અસમાનતા અને બંધિયારપણું તોડવાનો વિચાર જ જામ્યો નહિ. જે સંતોએ આવો ઉપદેશ આપ્યો તેમને એટલું કોઠું મળ્યું નહિ.
દર્શકે ભારતીય સંસ્કૃતિની ભરતી-ઓટ બતાવતી વખતે અંગ્રેજોના પ્રદાનની યોગ્ય નોંધ લીધી છે. સામાજિક સુધારમાં લોકશાહી સંસ્થાઓ, લોકશાહી પદ્ધતિઓ દાખલ કરવામાં અંગ્રેજોનો ફાળો ભૂલવો ન જોઈએ. દર્શક યોગ્ય જ નોંધે છે કે ‘૧૮૫૭નો બળવો સફળ થયો હોત તો રાજ્ય તો મુગલ બાદશાહ અને પેશવાઈનું જ આવત અને તે જ જૂની ઢબે આ જગન્નાથનો રથ લાંબા વખત સુધી ચાલ્યા કરત.’ (ઇતિહાસ બોધ પૃ.૨૫)
તેઓ આપણી સંસ્કૃતિનાં જમાપાસાંને બિરદાવે છે. તેમાં (૧) સહિષ્ણુતા, સહજ ઉદારતાનો ગુણ મુખ્ય છે. દર્શક માને છે કે આ દેશને એક કરનારું તત્ત્વ ન તો સમુદ્રગુપ્તનો રાજ્યદંડ છે કે ન તો પુલિકેશિનાં છત્રચામર છે. અશોક અને અકબરની ધર્મસહિષ્ણુતા આ દેશની આધારશીલા રહી છે. (૨) ભૌતિક સુખ-ભોગોની એક મર્યાદા છે. તેવું ચિંતન આપણી બીજી વિશેષતા ગણે છે. ઇન્દ્રીય સુખ એ શાશ્વત આનંદ કે સુખનો માર્ગ નથી તેવું ફરી ફરી પ્રતિપાદિત થયા કર્યું છે. અહીં એ તર્ક થઈ શકે કે વારંવાર આવું પ્રતિપાદન કરવાની જરૂર કેમ પડી ? તેનો અર્થ આવો ખરો કે હકીકતમાં સમાજ ભૌતિક સુખ-ઇન્દ્રીયસુખ ભોગોમાં વારંવાર સરી પડતો હતો ? આપણા ભક્તિસાહિત્યમાંથી પણ તેનાં ઘણાં દૃષ્ટાંતો મળી આવે છે. (૩) આત્યંતિક હિંસાની ઓછી માત્રા. બીજા દેશો કરતાં વ્યાપક હિંસા અને અત્યાચારોનું પ્રમાણ અહીં ઓછું રહ્યું છે. (૪) તેના પાયામાં દર્શક સંતોનો ફાળો હોવાનું જણાવે છે. સંતોએ જનમાનસને શાંતિપ્રિય અને ઉદારચિત્ત રાખવામાં મુખ્ય ભાગ ભજવ્યો છે. સંતોની અતૂટ પરંપરા અહીં ચાલતી રહી છે. જેમણે ક્રિયાકાંડ-નાતજાતનો અસ્વીકાર કરી પ્રજાને સંસ્કારપુટ ચડાવ્યો. (ઇતિહાસ બોધ પૃ-૪૨-૪૪)
દર્શક આપણે શા માટે વારંવાર હારતા રહ્યા તે પ્રશ્ન ચર્ચીને આપણી મર્યાદા અને દોષો બતાવે છે. તે સાથે આપણા ઇતિહાસના આ બોધપાઠના અધ્યયન પર ભાર મૂકે છે. તેમના મતે જે નિત્ય પરિસ્થિતિનું અધ્યયન નથી કરતો તેને છેવટે પરિસ્થિતિ ખાઈ જાય છે. આ માટે જ તેઓ ઇતિહાસ-શિક્ષણ પર ભાર મૂકે છે.
શ્રી કિશોરલાલ મશરૂવાળા તથા વિનોબાજી જેવા વિચારકોએ ઇતિહાસ-શિક્ષણને બહુ અગત્યનું ગણ્યું નથી. પરંતુ ઇતિહાસ-શિક્ષણની ઉપયોગીતા અંગે દર્શકના મનમાં લવલેશ શંકા નથી. તેઓ માને છે કે “જે પ્રજા પોતાના પૂર્વજોએ કયાં કયાં ભૂલ કરી અને કયાં કયાં સિદ્ધિ મેળવી, તેમજ તે સિદ્ધિ-અસિદ્ધિનાં કયાં કારણો હતાં તે નથી જાણતી તે પ્રજા પોતાની ભારેમાં ભારે કમાણીને વેડફાવા દે છે.” ઇતિહાસ લાંબા ગાળાના અવલોકનરૂપે અને પૂર્વગ્રહ રહિત થઈને લખાય તેને તેઓ જરૂરી સમજે છે. કિશોરલાલભાઈના મતથી વિરુદ્ધ તેઓ ઓછો ઇતિહાસ નહીં પણ વધારે ઇતિહાસ આપવામાં માને છે. જેમ કે વર્તમાનના કોયડા ઉકેલવા માટે ઇતિહાસને ચરણે બેસવું જરૂરી છે તેવી તેમની પ્રતીતિ છે. (ઇતિહાસ બોધ પૃ.૨૮)
“ઇતિહાસ અને કેળવણી” એ લેખસંગ્રહમાં દર્શકે ઇતિહાસ-શિક્ષણની ચર્ચા તથા ઇતિહાસમીમાંસા કરેલ છે. દર્શક જણાવે છે કે પોતાના સમાજે આ કક્ષાએ આવતાં કેવો પુરુષાર્થ કર્યો, તેનાથી કેવી ભૂલો થઈ તે જાણી ચિત્ત વ્યાપક, જાગૃત અને એકરસ બને તે ઇતિહાસ-શિક્ષણનું એક માત્ર ધ્યેય છે. વ્યક્તિ સમાજમાં રહીને સુખ મેળવવાની/આપવાની આશા રાખે છે. “તેમાં કેટલીક વાર કુદરત, કેટલીક વાર પોતાનો સમાજ અને કેટલીક વાર ખુદનું અજ્ઞાન આડે આવે છે…. માનવનો આ ત્રિમુખી ઘસારો એ ઇતિહાસનો વિષય છે…. વસ્તુતઃ સાચા ઇતિહાસે આ ત્રણે મોરચા પર થયેલી કૂચ કે પીછેહઠનું એકસૂત્રી સંકલન કરી સ્વચ્છ દૃષ્ટિ આપવી જોઈએ.” દર્શકને મન ઇતિહાસ એ સામાજિક વારસો છે. તેમાં સમાજનાં પુરુષાર્થની અને પરીબળોની છબી ઊઠવી જોઈએ.(ઇતિહાસ અને કેળવણી બોધ પૃ.૭-૯) એકંદરે દર્શકનું વલણ ઘટનાઓ કરતાં તેની અસરોનાં તારણો પ્રત્યે વધુ રહેલું જણાય છે.
શાળામાં શીખવાતો ઇતિહાસ આનાથી કંઈક જુદો જ હોય છે. રાજાઓની વંશાવળીઓ, યુદ્ધો-સંધિઓ, જુઠાણાં અને દગાબાજીનો ઇતિહાસ મોટે ભાગે શાળાના અભ્યાસક્રમમાં હોય છે. આ બધું વિદ્યાર્થીની યાદશક્તિ પર અર્થહીન બોજો બની રહે છે. ઇતિહાસ ભાવિના અંધકાર આગળ દીવો ધરવાનું કાર્ય કરે છે. તે પાસાં તરફ ધ્યાન દેવાતું નથી. દર્શક ઇતિહાસ-શિક્ષણમાં અનુબંધની સૌથી વધુ જરૂર છે તેમ કહે છે. તેમના મતે વર્તમાનમાં ઊભા થતા પ્રશ્નો જેવા સ્વરૂપના પ્રશ્નો ભૂતકાળમાં પણ ઊભા થયા હોય તે વખતે તેના ઉકેલમાં આપણા પૂર્વજોએ ડહાપણ કે મૂર્ખાઈ બતાવી હોય તે, તેમજ આજના પ્રશ્નોના મૂળ ભૂતકાળમાં હોય છે તે દૃષ્ટિને મહત્ત્વનું સ્થાન આપી, ઇતિહાસ-શિક્ષણના અભ્યાસક્રમની ગોઠવણ થવી જોઈએ. મુસ્લીમ, મોગલ કે મરાઠા રાજવંશોના અભ્યાસને ભારતની સમગ્ર વિકાસધારાની દૃષ્ટિએ જ સમાવવા ઘટે તેમ દર્શાવે છે. તેઓ માનવીય ગુણોને પ્રગટ કરતો ઇતિહાસ ભણાવવા પર ભાર મૂકે છે.
દરેક દેશને માત્ર પોતાના જ ઇતિહાસમાંથી પ્રશ્નોના જવાબ મળે તેવું નથી. બીજા દેશોના ઇતિહાસ પણ મદદરૂપ બને. આથી તેઓ ઇતિહાસના વ્યાપક અભ્યાસને મહત્ત્વનો ગણે છે. તે સાથે ઇતિહાસ-શિક્ષણ, નીતિ, ધર્મ કે સત્યનો જય થાય છે કે નહિ, સાધન જેવું અને જેટલું શુદ્ધ તેટલી જ સિદ્ધિ થાય છે ? ગાંધી પ્રેરિત વિચારધારાનો પ્રભાવ જોઈ શકાય છે ? ઈતિહાસે આ બાબતોમાં ન્યાય આપવો જ જોઈએ અને તે આપી શકે તેમ છે તેવી તેમની શ્રદ્ધા છે. (ઇતિહાસ અને કેળવણી – પૃ.૧૩)
સ્વાતંત્ર્ય આપણી સૌથી મોટી જરૂરિયાત છે, સ્વાતંત્ર્ય રક્ષવાની. તેથી ઇતિહાસે સૌ પ્રથમ તે તરફ ઝોક દેવો જોઈએ તેમ તેઓ માને છે. “સ્વાતંત્ર્યની રક્ષા માટે જરૂરી ખડતલપણું, એકદિલી, હુંપણા પર અંકુશ, પ્રાંતીયતાનો ત્યાગ, કોમવાદને તિલાંજલિ જેવા ગુણોની દૃષ્ટિએ ઇતિહાસમાંથી વાર્તાઓ પસંદ થવી જોઈએ. આ ગુણોના અભાવથી આપણા દેશમાં શું થયું તેવી વાર્તાઓ નિઃસંકોચપણે મૂકવી જોઈએ. વળી આ ગુણોનું પારાયણ શરૂઆતના ધોરણથી લઈને અંત સુધી ચાલવું જોઈએ. શરૂઆતમાં સારી વાર્તારૂપે અને છેવટે પ્રૌઢ, ગંભીર તલસ્પર્શી આલોચનારૂપે પ્રગટ થવું જોઈએ” તેમ તેઓ જણાવે છે. આમ, આપણા ગુણદોષો તટસ્થતાથી ભણાવવા પરંતુ લક્ષ્ય રાષ્ટ્રીય ચારિત્ર્યના નિર્માણનું હોવું જોઈએ તેવો તેમનો સૂર છે….
અત્યારના ઇતિહાસવિદોમાં અભ્યાસક્ષેત્ર અંગેનો નવો ઝોક એ છે કે શ્રમજીવી, પછાત-દલિત લોકોનો એટલે કે ઇતિહાસવિહીન લોકોનો ઇતિહાસ શોધવો-તપાસવો. દર્શકે આ વાત દાયકાઓ પહેલાં મૂકી હતી. તેઓ પ્રજામાં પરિશ્રમબુદ્ધિ ઊતરે તે જરૂરી માને છે. આ માટે શ્રમજીવીસમાજના ઇતિહાસ તરફ ધ્યાન દોરે છે. વિજયનગરના કિલ્લા કે રાજાની રખાત, હાથી-ઘોડાની સંખ્યા વગેરે કરતાં વિજયનગરના આધારરૂપ શ્રમજીવીસમાજના સહકાર, પ્રેમ, શાંતિ, પરિશ્રમ વગેરેને વધુ અગત્યના ગણે છે. (ઇતિહાસ અને કેળવણી પૃ.૧૭-૧૮)
દર્શક સાહિત્યકાર છે. છતાં એમ માને છે કે ઇતિહાસની સામાજિક ઉપયોગીતા સાહિત્ય કરતાં વધારે છે.(પૃ.૨૮) તેઓ કહે છે કે “માણસને જાહેર પ્રશ્નો વિશે વર્તનનાં નિયમો અને વલણો આપવા માટે ઇતિહાસમાં જે પૂર્વાનુભવોનો નિચોડ છે તે બીજાઓ કરતાં વિશેષ મદદગાર થવાનો સંભવ છે.”(પૃ.૩૧) ઇતિહાસની મદદ સિવાય લોકશાહીનો કોઈ પણ નાગરિક વાસ્તવિક નાગરિક થઈ શકે તે શક્ય જ નથી એમ ભારપૂર્વક જણાવે છે. તેઓ બેકનના આ વાક્યને ટાંકે છે : “કવિ માણસને આનંદી બનાવે છે, ગણિત સૂક્ષ્મ નજરવાળો, પ્રકૃતિનું તત્ત્વજ્ઞાન માણસને ઊંડો, નીતિશાસ્ત્ર ગંભીર, પણ ઇતિહાસ તેને સૂઝવાળો બનાવે છે.” (પૃ.૩૦)
ઇતિહાસ સત્યનું ખૂન કરીને કે તેને ઢાંકપીછોડો કરીને જો ભણાવાય તો જગતમાં એકતા ને ભ્રાતૃભાવ વધે નહીં તેમ તેઓ માને છે.
ભૂતકાળના બનાવોને માપવાના એક ગજ તરીકે દર્શક મૂળભૂત જરૂરિયાતોમાં માનવોની સમાનતાના સ્વીકારને ગણાવે છે. બીજો ગજ તે, માણસે ક્રમશઃ પ્રકૃતિ, ખુદ પોતાનું મન, અજ્ઞાન,પૂર્વગ્રહો એટલે કે અવિદ્યા પર મેળવેલો કાબૂ છે. “ઇતિહાસના પ્રવાહને આ ગજથી નિરખવામાં આવે તો તેમાં અકસ્માતને બદલે આયોજન, જડતા ને બદલે ચૈતન્યની સત્તાનો વિકાસ દેખાયા વિના રહે નહીં.” દર્શકના મત મુજબ માણસમાં રહેલી અવિદ્યા દૂર કરવાની વાત પર ઇતિહાસ-શિક્ષણમાં ધ્યાન આપવું જોઈએ. “કાટવાળા વાસણમાં દૂધ જમાવીએ તો તે દહીંથી ઝેર ચડે છે તેમ અંદરની અવિદ્યાને દૂર કર્યા પહેલાં મેળવેલી સિદ્ધિઓ અંગે બનતું દેખાય છે.” (ઇતિહાસ અને કેળવણી પૃ.૫૩-૫૪, ૫૯) આમ દર્શક ઇતિહાસ અને નીતિશાસ્ત્રને સાંકળે છે.
દર્શક નિયતિવાદનું સમર્થન કરતા નથી. તેઓ મનુષ્યની ને સમાજજીવનની કેટલીક મર્યાદા છે તેમ સ્વીકારે છે. છતાં એકંદરે મનુષ્યને ઘણી સ્વતંત્રતા છે. તેને કર્મની સ્વતંત્રતા છે અને તેથી તે મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢે છે. (પૃ.૫૬-૫૭) તે સાથે માનવસમાજ કર્મનો પરિપાક ભોગવે છે તેમ માને છે. દર્શક કાવ્યન્યાયની જેમ ઐતિહાસીક ન્યાયમાં વિશ્વાસ ધરાવે છે. સમાજના ભલા બુરા સામાજિક કર્મોનો પ્રતિઘોષ તે ઐતિહાસિક ન્યાય છે. તેની સ્પષ્ટતા કરતાં કહે છે કે “વસ્તુતઃ મનુષ્યના જીવનમાં કર્મના કાયદાનું જે સ્થાન છે, જેને લોકો સામાન્ય ભાષામાં ભગવાનનો ન્યાય કહે છે, તે જ સામાજિક કર્મોના પરિપાક સ્વરૂપે પ્રગટ થાય ત્યારે તે ઐતિહાસિક ન્યાય બને છે.” (પૃ.૧૦૧-૨) તેમના મતે મનુષ્યની જેમ સમાજને પણ એકીસાથે કર્મબંધન અને કર્મસ્વાતંત્ર્ય છે. જ્યારે ઇતિહાસનું અધ્યયન-અધ્યાપન માત્ર સામાજિક સ્મૃતિ ન રહેતાં સામાજિક આત્મવિવેચન પણ બને ત્યારે જ આ સ્વાતંત્ર્યનો અમલ સમાજના સભ્યો કરતાં થઈ શકશે તેમ તેઓ માને છે. (પૃ.૧૦૭)
દર્શક નિર્ગુણ ન્યાયના પક્ષે ભાર મૂકે છે જેનો અર્થ છે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના દરેકને સમાન ગણવા. જ્યાં સુધી આવા નિર્ગુણ ન્યાય સાથે બંધ બેસતાં વિચારો કે કર્મો નહીં થાય ત્યાં સુધી ઇતિહાસ દંડ વસૂલ કરવાનો જ તેમ ભારપૂર્વક કહે છે. તે સાથે “કર્મો બદલાતાં ઇતિહાસ તેની કરવટ બદલવાનો. ભલે તે વખતે દેવો તમારી વિરુદ્ધ હોય પણ ઇતિહાસ તમારી તરફેણમાં હશે. આવી શ્રદ્ધા આપવી એ ઇતિહાસ વિવેચનનું કર્તવ્ય છે.” દર્શકની આ વાણીમાં રચનાત્મક કાર્યકરની શ્રદ્ધા ટપકે છે !
દર્શકનો જન્મ પ્રથમ વિશ્વયુદ્ધ સમયે અને યુવાનીકાળ બીજા વિશ્વયુદ્ધ સમયનો છે. આ ભયાનક યુદ્ધોનો સંહાર પછી પણ તેમને સત્ય અને અહિંસામાં શ્રદ્ધા છે તે ગાંધીપ્રેરિત દર્શનની છે. તેઓ ‘સત્યમેવ જયતે’ જેવાં સૂત્રોને ઇતિહાસનો આખરી સાર કહે છે અને તેમાં હજી પૂરો લખાઈ નથી રહ્યો તેવા ઇતિહાસને પણ ગણતરીમાં લે છે. શ્રી રસિકભાઈએ એ અંગે વાજબી પ્રશ્ન કર્યો છે કે, “ઇતિહાસનું આખર કોને કહેવાય ? કયા સીમાચિહ્નને આખર ગણવું ?” ઘણા ઇતિહાસકારો પોતાની આ પ્રકારની ધારણાઓ પ્રત્યે પાછળથી આશંક થયા છે. સત્યની જેમ અસત્યનો જય થયાનાં દૃષ્ટાંતો પણ વધુ મળી આવે. વળી ઇતિહાસમાં કોઈ પણ ઉપલબ્ધિ અંતિમ નથી હોતી.
‘સત્યમેવ જયતે’ના સંદર્ભમાં દર્શકે પ્રા. ટાલમોન સાથેની ચર્ચા નોંધી છે. રાઉઝેના મતે સંગઠિત સત્ય જીતે છે. તેનું પૂરક સત્ય ટાલમોનના મતે સંગઠિત અસત્ય જીતે નહીં તે છે. કેમ કે સત્ય એ અખંડદર્શી છે. જ્યારે અસત્ય ખંડદર્શી છે. એક રીતે રાષ્ટ્રીયતા પણ ખંડદર્શી છે. પરંતુ રાષ્ટ્રની વિશિષ્ટ પરિસ્થિતિને કારણે તેના ઇતિહાસમાં તે તબક્કો આવે તે સહજ છે. તેમાંથી પસાર થયા પછી પ્રૌઢતા આવે. (ઇતિહાસ અને કેળવણી પૃ.૬૮-૭૩)
દર્શક માર્કસવાદની છણાવટ કરતાં એટલું સ્વીકારે છે કે માર્કસે ઇતિહાસનું જે આર્થિક અર્થઘટન કર્યું તેણે ઇતિહાસસંશોધનમાં મોટો ફાળો આપ્યો છે. પરંતુ કેવળ ઉત્પાદન-વહેંચણીનાં સાધનોની માલિકી અને તેના પરિણામે થતા વર્ગ-વિગ્રહ અંગેનું તેનું દર્શન અપૂર્ણ જણાવે છે. વિજ્ઞાનની મદદથી માણસજાતની પ્રાથમિક જરૂરિયાતો વિપુલ રીતે પૂરી પડશે ત્યારે વર્ગવિગ્રહ નહિ રહે તેમ દર્શક માને છે. આ સ્થિતિ સામ્યવાદ દ્વારા જ આવે તેમ તેઓ માનતા નથી. લોકશાહી, સમાજવાદ કે મિશ્ર અર્થરચના દ્વારા વિજ્ઞાન અને અર્થશાસ્ત્રનો વિકાસ યોગ્ય દિશામાં કરવામાં આવે તો તે સામ્યવાદ કરતાં પણ વધારે સારું કામ આપી શકે. (પૃ.૨૪૪-૪૬)
દર્શક ઇતિહાસમાં એક તંતુ જુએ છે અને તે છે મનુષ્યનો ધીમો પણ આંતરિક વિકાસ. “મનુષ્યની દુર્બળતા, વાસનાવશતા અને અસંવેદનશીલતાના કિસ્સા ઇતિહાસના પ્રવાહમાં દર તબક્કે મળવાના જ.” સવાલ તે પ્રમાણે ક્રમશઃ ભલે કીડી ગતિએ પણ ઓછું થતું જાય છે તે છે. આ નક્કી કરવા માટે ઇતિહાસકારનો દૃષ્ટિફલક વિશાળ હોવો જોઈએ.(પૃ.૨૫૨)
સામાન્ય રીતે ઇતિહાસકારનો ઉદ્દેશ ઇતિહાસ લખવાનો હોય છે, સર્જવાનો નહીં. પરંતુ દર્શક ઇતિહાસલેખક હોવા ઉપરાંત તેમના જીવનકાર્યથી સ્વતંત્ર ભારતના ઇતિહાસનિર્માણના સક્રિય ભાગીદાર પણ રહ્યા છે અને તેની અસર તેમના લખાણમાં જોઈ શકાય છે.