Monday 10 June 2019

મેઘો ભગત

મેઘો ભગત
ખોબા જેવા નાનકડા ગામની પછવાડાની શેરીમાં, બેઠા ઘાટના મકાનની ઓસરીમાં પતિ પગરખાં સીવે છે, પત્ની પગરખાંમાં વાપરવાના દોરા વણે છે. ગામનાં તોરણ બંધાયાં એ વાતને સો વરસ થયાં અને સોના સૈકામાં ન બની હોય એવી ઘટના બની છે. ગામના ઘરેઘરમાં અરેરાટી છે… એ અરેરાટીના છાંટા આ આંગણે પણ ઊડ્યા છે. પતિ-પત્ની સંવાદે ચડ્યાં.

‘આપણા ગામમાં જ કે’ હરાજી થવાની છે.’ પત્ની બોલી:

પતિ કહે : ‘કેમ?’

‘હા, આપણા ગોચરની હરાજી… જુલમ નથી? હડાબોળ કળજગ, બીજું શું?’

‘ભારે કરી…!’ પતિ સમજણવાળું હસ્યો અને પગરખાંના ચામડામાં આર ઘોંચી ‘થઇ ભારે…!’

‘ગાયું ભૂખી મરશે, વલવલશે…’

‘તારા બાપે તને એકાદ ગાય ધામેણી દીધી છે?’ પતિ ટેભા લેતો લેતો વળી હસ્યો: ‘તારે વળી શાનું દુ:ખ?’‘વાંકાં શું લેવા બોલો છો?’ પત્ની ઓશિયાળી થઇ: ‘મારે અને તમારે ધોળાં પળિયાં આવ્યાં… હવે મારા બાપને શું કામે સંભળાવો છો? મારો બાપ તો ગરીબ હતો બચ્ચારો! ગાય ક્યાંથી આપે?’

‘તો પછી દોરા વણવા માંડ્યો. આપણો ધંધો ભલો અને આપણે ભલા. આપણે ગાય નથી, ગોચરમાં ચરવા જાવાની નથી… પછી પેટબળતરા શાની?’‘અરરર! એવું શું બોલો છો? ગાય આપણી હોય તો જ એની ઉપર દયા? ગામની ગાયો ઉપર દયા નહીં? ઇ ગાયો ભૂખી રહેશે એનું કાંઇ નૈ?’

‘જો ઉજમ!’ પતિ થોડો સહિષ્ણુ થયો: ‘દયા હોય તો પણ આપણે શું કરીએ? આ કાંઇ પાંચ-પચ્ચીસ રૂપિયાનો મામલો નથી. સો સોની નોટોની વાતો છે અને તું કાંઇ એટલું બધું દે ખરી?’

‘હા…’ પત્નીએ દોરાને પગના અંગૂઠામાં દબાવીને બે હથેળીઓની ભીંસ દીધી: ‘દઇ દઉં! સો સોની નોટો જો મારા ઘરમાં હોય તો બધી દઇ દઉં: આપણા ગામના ગોચરને કાંઇ જાવા દઉં? મૂઓ જેરામો પણ કેવો પાકયો? ગાયોનું ગોચર ખેડવા ઊભો થયો, પાપી! જોજયો ઇ રોયો આપણા ગામનું ગોચર લઇ જાવાનો. પાપિયો! અભાગિયો! આખા ગામમાં કાળો કકળાટ થાય છે. તમે નથી સાંભળતા?’

‘શું કકળાટ થાય છે, ઉજમ?’

‘કે’ છે: આપણું ગામ સો ખોરડાંનું નાનું ગામડું છે. ગોચરને રાખવા માટે ગામ પાસે પૈસા નથી. ગામમાં ફાળો હાલે છે.’‘એમ?’‘ને ત્યારે? તમે નથી જોતા?’‘હું ક્યાંથી જોઉં? ફાળો લેવા આપણે ઘેર કોઇ નથી આવ્યું.’‘આપણે ગરીબ ખરાંને? તમે ફાળો નોંધાવત?’‘હા, વળી. તું કહે તો હું જરૂર નોંધાવું.’‘નોંધાવો. મારી હા છે.’

‘ગમે એટલા?’ પતિ ટીખળે ચડ્યો.

‘અરે, ગાયો માટે આપણું આખું ઘર લૂંટાવી દો! જાવ! હું રાજી, બસ? આ ભવે તો આપણે વાંઝિયા છીએ. કાંક પુણ્ય કરશું તો આવતો ભવ’

‘ઉજમ! જોઇ વિચારીને બોલજે. હું જો દેવા બેસીશ તો ઘર આખું તળિયાઝાટક કરી નાખીશ.’

‘કરી નાખો…! ન કરો તો મારું મોઢું ન ભાળો.’

‘તો નક્કી ને?’

‘હા… નક્કી નક્કી….! સાતવાર નક્કી, હાંઉ?’પુરુષ બહુ ચાલાક હતો. પોતે જે ઇચ્છતો હતો એ વાત પત્ની પાસે નક્કી કરાવવા માગતો. થઇ ગઇ!

‘તો હવે જોજયે, આ મેઘા ભગતનો ઝપાટો.’ કહીને એણે ચામડા ઉપર વિંગડો પછાડ્યો. એક, બે અને ત્રણ! દાંત પીસીને બોલ્યો: ‘ઇ બેકડા ગામના જેરામ બોટાણીને, વીરાપુરાનો આ મેઘો દેખાડી દેશે કે બેટા! અમારા ગામનું ગોચર તને ન મળવા દઉં, તેં ગાયોના ચરણ ઉપર હાથ નાખ્યો?’

હા, એ જમાનો હતો. ગોચરની જમીન ગાયોની ગણાતી-એમાંથી ઘાસની સળી લેવી એ પણ પાપ મનાતું. એ જમીનના વેચાણહક નહોતા. જમીનની હરાજી થતી. વધારે પૈસા આપે એને જમીન મળે. પછી મહેસૂલ ભરે અને જમીન ખેડી ખાય. પરંતુ ગોચરની જમીન કોઇ રાખે નહીં. એની હરાજી ન થાય. એ પડી રહે અને ગામની ગાયો આખું ચોમાસું એમાં ચરી ખાય.

પણ આટલાં વરસમાં બેકડા ગામનો જેરામ બોટાણી એક એવો નીકળ્યો કે વીરાપુરાનું ગોચર ખેડવા તૈયાર થયો. માપણી-કારકુન સામે નકશો ધરીને એણે પોતાની બાજુના ગામ વીરાપુરાનું દોઢસો વીઘા ગોચર હરાજીથી રાખવા અરજી કરી. મહેસૂલી અધિકારીએ અરજી માન્ય કરીને હરાજીની તારીખવાળી નોટિસ કાઢી અને નોટિસ ઉપર જૂનાગઢ રાજ્યની મહોર મારી…

વીરાપુરા ગામમાં સન્નાટો ફરી વળ્યો. ઘેર ઘેર કાળો કકળાટ ઊઠ્યો: ‘અરરર! આપણા ગામની ગાયોનો કોળિયો ઝૂંટવાઇ ગયો.’એકાદ-બે દિવસના કકળાટ પછી ગામના આગેવાનોએ હૈયાં કઠણ કર્યા. ગામફાળો કરીને ગોચરને ગામમાં જ રાખવું. સો ઘર ફર્યા ત્યારે બસો રૂપિયા ઊભા થયા. માત્ર એક મેઘા ભગતને ગરીબ ગણીને એના બે રૂપિયા જ લીધા! નિયત તારીખે વહીવટદારોનો ગામના ચોરે મુકામ થયો. બેકડા ગામનો જેરામ બોટાણી આવી પહોંચ્યો… હરાજી શરૂ થઇ… ‘પચસા… સો…. સવાસો… દોઢસો… પોણા બસો… એક બાજુ વીરાપુરાનું આખું ગામ અને એક બાજુ જેરામ બોટાણી એકલો.’ ‘મારા સવા બસો…’ જેરામ ધડાકો કરીને ઊભો રહ્યો.

ગામનું તળિયું આવી ગયું. બસો રૂપિયા કરતાં વધારે એક પાઇ પણ નહોતી ગામ પાસે…! કકળાટ મચી ગયો. ગામ લાચાર થઇને બેસી ગયું. ગામનું ગોચર ગામમાંથી ચાલી નીકળ્યું હતું. સો વરસથી ગામની ગાયો ચરતી હતી હવે ભૂખે ભાંભરડા દેશે… અરર! હે ભગવાન!

‘મારા અઢીસો રૂપિયા!’ ટોળાંને છેવાડેથી અવાજ આવ્યો. પછી મેલું-ફાટેલું, જેમ તેમ બાંધેલું ફાળિયું થોડુંક કળાણું…‘એલા આ તો મેઘો ભગત…!’ અઢીસો રૂપિયા બોલ્યો! ક્યાંથી કાઢશે રૂપિયા!

‘મારા ત્રણસો.’ જેરામ બોટાણી ભભક્યો.‘મારા ચારસો!’ મેઘાએ હાથ ઊંચો કર્યો.‘પાંચસો.’ જેરામ ત્રાડ્યો.‘મારા સાડા પાંચસો.’ મેઘાનો હાથ ઊંચકાયો.‘મેઘા !’ જેરામ બોટાણીને સાદ ફટાકિયો થઇને ફૂટ્યો: ‘ભાંગ તો નથી પીધીને?’‘દૂધ પીધું છે. જેરામભાઇ!’ મેઘો હળવાશથી બોલ્યો: ‘ગોચર તો મારે જ રાખવું છે.’‘હેં?’ ગામ હવે ચોંક્યું: ‘ગોચર મેઘો ભગત લઇ લેશે! હત માળા! ખોરા ટોપરા જેવી દાનત! વાંઝિયો છે છતાં ગોચર હડપ કરવા માગે છે? માળો ચિંથરાં જેવો! બસ ગોચર પડાવી લેવા જ રૂપિયા ભેગા કરતો’તો!’‘રહેવા દે, મેઘા! આ ધંધો રહેવા દે.’ ગામે એને વાર્યો. એટલામાં જેરામ બોટાણી ગજર્યો: ‘મારા પોણા છસ્સો.’‘મારા પૂરા છસ્સો!’ મેઘો ઊછળ્યો.

‘મેઘાભાઈ! જોઇ-વિચારીને બોલ કરજો.’ વહીવટદાર, આ ચિંથરિયા જેવા માણસને અવિશ્વાસથી, અજંપાથી જોઇને બોલ્યો: ‘રૂપિયા અહીં સ્થળ પર જ વસૂલ કરીશ.’ જેરામ બોટાણી પાવરમાં આવ્યો : ‘મારા સવા છસ્સો!’‘બોલો, ભગત!’ પત્ની મેઘાની પડખે આવીને ઊભી રહી: ‘બોલો, તમ તમારે!’ગામ ચિલ્લાયું : ‘રહેવા દે મેઘા! મેઘા! મેઘા! ઘરનો દીવો ઘર સળગાવશે? તું ગામનો થઇને ગામની ગાયોનું બૂરું કરીશ?’મેઘાને ઓ’તાર ચડ્યો : ‘મારા પૂરા સાતસો!’જાણે આકાશમાંથી વીજળી પડી. ગામ બધાનાં કાળજાં અધ્ધર ચડી ગયાં.

જેરામ બોટાણીના હાંજા ગગડી ગયા! હવે એના ગજા બહારની વાત હતી. પાંચસોની માંડ કિંમત થાય એવું ગોચર, સાતસો રૂપિયાના ડુંગરે જઇને ઊભું હતું!જેરામની જીભ સિવાઇ ગઇ.‘સાતસો રૂપિયા, ત્રણવાર!’ વહીવટદારે ફેંસલો ટીપ્યો.મેઘા ભગતે મેલા, ફાટેલા પંચિયાની પોટલી વહીવટદારના પગ આગળ મૂકી : ‘ગણી લ્યો સા’બ! વધે એટલા મને પાછા આપો.’

સાતસો લીધા પછી સવા બસો રૂપિયા વધકના નીકળ્યા…! મેઘો લઇને ચાલતો થયો!‘મેઘા ભગત! તમારે ખાતે લખ્યું છે. સહી કરતા જાવ.’ અમલદારો બોલ્યા.‘ના રે બાપા!’ મારા ખાતે શાનું?’‘તો?’‘તો શું? હતું એમને એમ, ગામને ખાતે લખો. ઇ તો અમારા ગામનું હતું અને અમારા ગામનું જ રહેશે.’ મેઘો ભગત ચાલતો થઇ ગયો.‘હેં?’ ગામ આખાના હોઠમાંથી હર્ષનો એક ઊછળતો, કૂદતો ઉદ્ગાર નીકળી પડ્યો: ‘ગામ માટે? રંગ મેઘા ભગતને? તેં તો ગામની આબરૂ રાખી.’

તોરણ – નાનાભાઈ જેબલિયા

Sunday 1 April 2018

વિસરાઈ ગયેલી બાળરમતો – તરંગ બી. હાથી

February 6th, 2008 | પ્રકાર : અન્ય લેખો | 54 પ્રતિભાવો »

[રીડગુજરાતીના યુવાન વાચકમિત્ર શ્રી તરંગભાઈ હંમેશા કંઈક જુદા પ્રકારનું અને વિશિષ્ટ પ્રકારનું સાહિત્ય લખે છે. તેમના લેખ પાછળ ઘણો અભ્યાસ અને મહેનત હોય છે. આ સુંદર કૃતિ મોકલવા બદલ તરંગભાઈનો (ગાંધીનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો hathitarang@gmail.com પર સંપર્ક કરી શકો છો.]
દરેક દેશને પોતાના સ્થળકાળ અનુસાર ભિન્ન ભિન્ન પ્રકારની રમતો હોય છે. આપણા મુરબ્બીઓ એમના બાળપણમાં જે પ્રકારની રમતો રમતા હતા તે પ્રકારની રમતો આજે રમાતી નથી. અવિનાશ વ્યાસનું ગીત ‘હતુતુતુ….’ સાંભળી નાનું બાળક પૂછી બેસશે કે આ ‘હતુતુતુ’ કઈ વસ્તુનું નામ છે ? કોમ્પ્યુટર ગેઈમ્સ, ક્રિકેટ, ટેનીસ, બેડમિંગ્ટન આદિથી પરિચિત આજના બાળકોને ‘હતુતુતુ’ કે ‘ખો..ખો’ વિશે ખ્યાલ ન હોય તે સમજાય તેમ છે !
એક જમાનામાં આપણે નાના હતા ત્યારે આપણા વતનની ભૂમિમાં આપણે કેવી કેવી રમતો રમતા તેની યાદી નોંધવા જેવી છે. આપણી બા પાસે બેસી રમાતી અડકો દડકોથી શરૂ કરીને ગીલ્લી ડંડા, ભમરડા, લખોટીઓ, લંગસીયા, ખૂચામણી, સાત તાળી, નદી કે પર્વત, લોખંડ કે લાકડું, થડ થડ, કલર… કલર… કયો કલર.. ?, ચલકચલાણી, ઈંડું, પકડદાવ, ચોર-પોલીસ, સતોડિયું, કબ્બડી, ખો-ખો, આઈસ-પાઈસ, લંગડી, થપ્પો, કુંડાળા-પગથિયાં વગેરે જેવી આનંદદાયક રમતો આપણે રમતા. એ રમતોને કારણે આપણને શારીરિક કસરત મળતી, માનસિક સાવધાની વિકસતી, ખરા ટાણે કુનેહપૂર્વક નિર્ણય લેવાની દ્રષ્ટિ કેળવાતી અને વિશેષ તો સમુહ જીવનની તાલીમ મળતી. આપણા સાથીદારને મદદરૂપ થવાની વૃત્તિ કેળવાતી. આ રમતોની વિશેષતા એ હતી કે તેમાં કોઈ રમતના સાધનોની જરૂર ઓછી પડતી. કબડ્ડી કે ખો-ખો રમવા માટે ક્યા સાધનની જરૂર પડે ? લંગડી તો માત્ર એક પગથી જ રમવાની શરૂ કરી શકાય ! કોઈપણ પ્રકારના સાધનો વિના રમી શકાય તેવી રમતો આપણે રમતાં. ન કોઈ સાધનો, ન તો કોઈ વિશિષ્ટ ગણવેશ, ન તો કોઈ મેદાન વગેરેની જરૂરિયાત. સાવ સરળ અને સહજ !
વળી, આજકાલ ક્રિકેટમાં ચાલે છે તેવાં ઝીણાં-ઝીણાં નિયમો પણ નહીં. દિવસના કોઈપણ ભાગમાં અને સપાટ જમીન પર રમી શકાય તેવી આ રમતો આપણા જેવા વિકસતા દેશ માટે સ્વાભાવિક હતી. ક્યાં મોંઘા ટેબલ-ટેનિસ, વિડિયો ગેમ્સ, વીજળીથી ચાલતાં રમકડાં અને ક્યાં આપણી લાકડાંની નાની ગીલ્લી અને દંડો ! મળ્યો તો ઠીક નહીંતર ચીંથરે વિંટ્યો દડો ! અરે, સતોડિયામાં તો માત્ર ઠીંકરાઓનો જ ઉપયોગ. ઘણાં બાળકોને તો બાકસની છાપો, ફિલ્મના ફોટાઓ, ફિલ્મની પટ્ટીઓ વગેરે ભેગો કરવાનો જબરો શોખ. પછી આપમેળે તેની કોઈ નવી રમત બનાવીને વગર સાધને રમ્યા કરે. આમ ઓછામાં ઓછા ખર્ચ સાથે વધુમાં વધુ નિર્દોષ આનંદ આપતી આપણી જુની રમતો આપણે વિસરી ગયાં છીએ.

આવો, આજે આપણે આમાંની કેટલીક રમતો રમવાની રીતોનું સ્મરણ કરીએ.
[1] અડકો-દડકો : બે હાથની આંગળી અંગુઠાં સહિત જમીન પર રાખી ‘અડકો દડકો દહીં દડુકો….’ ગાતાં ગાતાં ‘સાકર શેરડી ખજૂર….’ એમ બોલીને જેના હાથ પર ખજૂરનો ‘ર’ આવે તે હાથ પાછળની તરફ વાળી લેવામાં આવતો. આમ, રમનાર બધાના હાથ પાછળ વળી જાય ત્યારે રમત પૂરી થઈ ગઈ કહેવાય.
[2] ગીલ્લી દંડા : લાકડાંની નાની પણ થોડી મજબુત લગભગ ચાર ઈંચની લાકડીની ગીલ્લી બનાવવામાં આવતી અને તેના જેવી લગભગ બાર ઈંચની લાકડીનો દંડો બનાવવામાં આવતો. ઠીકરાં પર ગીલ્લી ગોઠવી તેના એક ખુલ્લા છેડા પર લાકડીનો પ્રહાર કરી હવામાં ગીલ્લીને ફટકારી દૂર સુધી પહોંચાડવામાં આવતી અને જો હવામાં ઉછળતી ગીલ્લીને સામે ઊભેલ ખેલાડી દ્વારા કેચ કરવામાં આવે તો ગીલ્લીને ફટકારનાર ખેલાડીનો દાવ પુરો થઈ ગયો ગણાતો.
[3] ભમરડા : લાકડાનો શંકુ આકારનો ભમરડો, તેની મધ્યમાં લોખંડની આરી (ધરી). ભમરડાના માથે દોરી ભરાવી ગોળ ગોળ આરી સુધી વીંટી અને ઝાટકા સાથે નીચેની તરફ ફેંકી જમીન પર ફેરવવામાં આવતો અથવા હવામાં ફેરવી હથેળી પર ફેરવવામાં આવતો.
[4] લખોટી : એક કુંડાળું કરી તેમાં રમનાર પોતાની પાસેની લખોટીઓ મુકે છે. કુંડાળાથી થોડે દૂર એક રેખા ખેંચવામાં આવતી. અને રેખાની બહાર ખેલાડીઓ પોતાની પાસે રહેલ લખોટી દ્વારા કુંડાળામાં રાખેલી લખોટીને નીશાન તાકીને બહાર લાવતા. બહાર આવેલ લખોટી તે ખેલાડીની માલીકીની ગણાતી. લખોટીની રમતોમાં અલગ અલગ પ્રકારો પણ છે.
[5] લંગસીયા : ઉત્તરાયણ પતી ગયા બાદ વધેલી દોરીને એક ઠીકરાં સાથે બાંધી લંગસીયું બનાવવામાં આવતું. ખેલાડીઓ લંગસીયા હવામાં ગોળ ગોળ ફેરવી એક બીજાના લંગસીયામાં ભેરવી ખેંચતા. જેનું લંગસીયું તૂટી જાય તે હારી ગયો કહેવાય. ટેલીફોનના તાર પર આવું જ એક લંગસીયું ભરાવવામાં આવતું અને તેના બીજા છેડે બીજું એક ઠીકરું બાંધવામાં આવતું. ઠીકરાં પછી દોરીનો છેડો છુટ્ટો રાખવામાં આવતો. છુટ્ટા છેડાથી ઠીકરાંને ગોળ ફેરવી છુટ્ટું મુકવામાં આવતું અને ત્યાર બાદ જેના હાથમાં છેડો આવે તેને દાવ મળતો.
[6] ખૂચામણી : વરસાદના સીઝનમાં આ રમત ખાસ રમવામાં આવતી. લોખંડનો સળીયો લગભગ બાર ઈંચ. ભીની માટીમાં કુંડાળું કરી ઝાટકા સાથે ખોસવામાં આવતો. જો ખેલાડી ખોસવામાં સફળ ન થાય તો બીજાનો વારો આવતો.
[7] સાત તાળી : જે ખેલાડીનો દાવ હોય તેના હાથ પર બીજો ખેલાડી સાત વાર તાળી આપી ને ‘છુટે છે’ કહી ભાગવાનું. દાવ દેનાર ખેલાડી દોડી અને બીજાને પકડી લે તો તે આઉટ ગણાતો અને આઉટ થયેલ ખેલાડીનો દાવ આવતો.
[8] નદી કે પર્વત : ઓટલા ને પર્વત ગણવામાં આવતો અને જમીન ને નદી. હવે આ રમતમાં દાવ દેનાર ખેલાડીને અન્ય ખેલાડી દ્વારા પૂછવામાં આવતું કે નદી કે પર્વત. ખેલાડી જો ‘પર્વત’ કહે તો ઓટલા ઉપર ઊભા રહેવાનું અને ઓટલા પર આવનાર અન્ય ખેલાડી ને પકડી લે તો તે આઉટ જાહેર કરવામાં આવતો. એવી જ રીતે ‘નદી’ કહે તો અન્ય ખેલાડી ઓટલા પર ઊભો રહે અને દાવ દેનાર જમીન પર.
[9] લોખંડ કે લાકડું ? : દાવ દેનાર ખેલાડીને પૂછવામાં આવતું ‘લોખંડ કે લાકડું ?’ જવાબમાં લોખંડ કહેવામાં આવે તો અન્ય ખેલાડીઓ લોખંડને પકડી ઉભા રહેવાનું. લોખંડમાં બારીની ફ્રેમ, હિંચકાનો સળીયો, ગ્રીલ વગેરે. અને લાકડું હોય તો તેમાં બારી, હિંચકો, આસપાસના વૃક્ષો વગેરે. લોખંડ કે લાકડું પકડવામાં કોઈ નિષ્ફળ જાય તો આઉટ જાહેર કરવામાં આવતો અને પછી તેનો દાવ આવતો.
[10] કલર.. કલર કયો કલર.. ? : કલર કલર કયો કલર – એમ પૂછી દાવ લેનાર કોઈ એક કલરનું નામ કહે અને આસપાસમાં તે કલર દેખાય તો તેને સ્પર્શ કરીને ઊભા રહેવાનું. કલર ન મળે તો તે આઉટ જાહેર કરવામાં આવતો.
[11] ચલકચલાણી : ચાર ખુણે ચાર ખેલાડી ઊભા રહે. દાવ દેનાર કોઈ એક ખુણે જઈને પૂછે ‘ચલકચલાણી’ તો તેના જવાબમાં ખેલાડી તેની વિરુદ્ધની ખુણાને ઉદ્દેશીને જવાબ આપે કે ‘પેલે ઘેર ધાણી’ આમ, ખેલાડી બીજી દિશામાં જાય કે તરત ખુણા પર રહેલા ખેલાડી પોતાના ખુણા બદલી લે. જો એમ કરતાં વચ્ચેથી જ દાવ દેનાર ખેલાડી પકડી લે તો તે આઉટ જાહેર થાય.
[12] ઈંડું : ચલકચલાણી જેવી જ રમત પણ થોડી જુદી. ચોરસ જગ્યા પર બે આડા અને ઊભા પાટા બનાવવામાં આવતા. પાટા જ્યાં ક્રોસ થાય ત્યાં નાનું ચોરસ બનતું અને તેમાં રમનાર ખેલાડીઓ પ્રમાણે ટાઈલ્સના ટુકડા રાખવામાં આવતા. દાવ દેનાર ખેલાડી પાટાની અંદરના ભાગમાં રહેતો અને બાકીના ખેલાડીઓ ખુણાના 4 ચોરસમાં ઊભા રહેતા. દાવ દેનાર ખેલાડી પહેલાં પાટાના છેડાઓને સ્પર્શ કરવા જાય તે સમય દરમ્યાન બાકીના ખેલાડીઓ ટાઈલ્સના ટુકડાને લઈ લે. અને તેમ કરતા કોઈ ખેલાડી ઝડપાઈ જાય તો તે આઉટ જાહેર કરવામાં આવતો.
નવા જમાનાની રમતોમાં નિયમો અને યંત્રો મહત્વનાં બની ગયાં છે. આવા નિયમોની જટાજુટમાં રમતના સાત્વિક આનંદની ગંગા ખોવાઈ ગઈ છે. ક્રિકેટની રમતમાં દડો બાઉન્ડ્રીની બહાર ગયો કે નહીં, ફિલ્ડરનો પગ બ્રાઉન્ડ્રીને ટચ થયો કે નહીં તે ખાસ પ્રકારના કેમેરા દ્વારા ત્રીજો ઍમ્પાયર બતાવે છે. આવી રમતોમાં યંત્ર અને નિયમોના બંધનને લીધે રમતની યુક્તિનો આનંદ ઓછો થઈ જાય છે. જૂની રમતોમાં આકાશ જેવી વિશાળતા અને ધરતી જેવી વ્યાપકતા હતી. પવનસમી મુક્તિ હતી. પંચમહાભુતના બનેલા આપણે પંચમહાભુત સાથે એકરૂપ થઈ જતાં. ‘લગાન’ નો ભુવન અને ધોની કેવા ભિન્ન લાગે છે ! ભુવનમાં રમતની સાહજિકતા હતી અને આજના ખેલાડીમાં ફોટોજેનીક ઉત્સાહ વધારે પ્રમાણમાં જોવા મળે છે.
આમ, આપણી જુની રમતો આપણી સંસ્કૃતિને ઉજાગર કરતી હતી. સાદગી, સંઘભાવના અને સુમેળમાં રહી રમાતી એ રમતો આજે ભુલાઈ ગઈ છે. વિડીયો ગેઈમ્સ અને કોમ્પ્યુટર ગેઈમ્સના જમાનામાં આવી રમતોને પણ પ્રોત્સાહિત કરવી જોઈએ. જુની રમતોને પુન:જીવીત કરવી જરૂરી છે કેમ કે વિડિયો ગેઈમ્સ, કોમ્પ્યુટર ગેઈમ્સ અને ટીવી પર ચેનલ સર્ફીંગ કરતી આપણી બાળપેઢી શું જુએ છે તે આપણે જાણીએ છીએ. આજની ઉછરતી પેઢી આપણા આંગણામાં ફુટબોલ કે વોલીબોલ જેવી રમતો તો ખરી પણ વિસરાઈ ગયેલી રમતો પણ રમતી હોય તે જરૂરી છે. આ પ્રકારની રમતો અંગકસરથી ભરપૂર છે. આધુનિક રમતોમાં બાળકો બહાર જવાનું ટાળે છે, આખો દિવસ સ્ક્રીન સામે બેસી રહે છે અને બેઠાડુ રમતોના પરિણામે સ્થુળતાનો ભોગ બને છે. ઈન્ટરનેટ પર મોટા પ્રમાણમાં ગેઈમ્સ ઉપલબ્ધ છે. કેટલીક તો ડાઉનલોડ કરીને રમી શકાય છે, તો કેટલીક ઓનલાઈન રમાય છે. બાળકોમાં મોબાઈલ ગેમ્સ પણ પ્રચલિત છે. પરંતુ આ બધાના પરિણામે બાળકોમાં આંખોની તકલીફ અને ચશ્માનું પ્રમાણ ભયજનક રીતે વધી ગયું છે. બાળકની આંખ ગ્રાફિક્સને ઓળખે એ પહેલાં તે તરત બદલાઈ જાય છે. મારધાડથી ભરપુર ગેઈમ્સને કારણે બાળક મટકું મારવાનું પણ ભૂલી જાય છે.
વાસ્તવિકતા એ છે કે જે બાળકો મારધાડથી ભરપુર કોમ્પ્યુટર ગેઈમ્સ નથી રમતાં તેની ગણના ‘દેશી’માં કરવામાં આવે છે. આવી દેખાદેખીને કારણે બાળપણની રમતો રમાતી નથી. ઓલિમ્પ્લિક્સ, એશિયન અને કોમનવેલ્થ જેવી પશ્ચિમી સંસ્કૃતિ પર આધારિત રમતો તો ખરી જ પણ તે ઉપરાંત દરેક દેશની સુગંધ અનુભવાતી હોય તેવી દેશની વિલક્ષણ રમતો રમાય તો રમતવિશ્વનો વિસ્તાર થશે.

Friday 9 March 2018

"રાષ્ટ્રીય શાયર" શ્રી ઝવેરચંદ મેઘાણી ને શ્રધ્ધાંજલિ ** .

આજે "રાષ્ટ્રીય શાયર" શ્રી ઝવેરચંદ મેઘાણી ને શ્રધ્ધાંજલિ **
.
** ૯ માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય રોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમનું મૃત્યુ થયું.
.
** ઇ.સ. ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું.
.
**"માણસાઇના દીવા" તુલસીક્યારો, યુગવંદના, કંકાવટી, સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધારા વગેરે તેમનું નોંધપાત્ર સર્જન છે.

આજે રાષ્ટ્રીય શાયર "શ્રી ઝવેરચંદ મેઘાણીને " શ્રધ્ધાજંલી.

ઝવેરચંદ મેઘાણીની આ કવિતા ૧૯૨૮ ગીરના જગલમાં તુલસીશ્યામ પાસેના એક નેસડામાં હીરબાઈ નામની ૧૪ વર્ષની ચારણ કન્યાએ એકલે હાથે પોતાની વાછરડીને મારનાર સિંહને એનું માંસ ચાખવા નહોતું દીધું અને ફક્ત લાકડીએથી ગીરના સાવજને હાંકી કાઢ્યો હતો.

“તુલસીશ્યામથી બે ગાઉ અમે ખજૂરીને નેસડે હતા,ત્યાં રીડ થઇ. સાવજ ડણક્યો. હાકોટા થવા માંડ્યા. રોળકોળ વેળા થઇ હતી. ખાડું-ધણ ઝૂંપડે આવતાં હતાં. તેમાંથી હીરબાઇ કરી એક ચારણ બાઇની વોડકીને સાવજે પાદરમાં જ પાડી. અમે બધાદોડ્યા.વીસેક જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઇ ક્યારની યે ત્યાં પહોંચી ગઇ હતી. મરેલી વોડકી પર એ ચારણ-કન્યા ચડીને સાવજ સામે સોટો વીંઝતી હતી. સાવજ બે પગે સામો થઇ હોંકારા કરતો હતો. બાઇ સાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઇએ સાવજને ખાવા ન દીધી….એવખતે ‘ચારણ-કન્યા’ ગીત મેઘાણીભાઇ કાગળ-કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠ્યું. આંખો લાલ ઘ્રમેલ ત્રાંબા જેવી થઇ ગઇ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડમાંડ પકડી રાખેલા.”
– દુલા કાગ

સાવજ ગરજે !

વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !
ક્યાં ક્યાં ગરજે ?

બાવળના જાળામાં

ગરજે ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઉગમણો, આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે !

વાડામાં વાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડાં કાંપે
ઝાડ તણાં પાંદડલા કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓના જળ પણ કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે

આંખ ઝબૂકે

કેવી એની આંખ ઝબૂકે
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે

જડબાં ફાડે !

ડુંગર જાણે ડાચાં ફાડે !
જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્વાર ઉઘાડે !
પૃથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે
લસ લસ કરતા જીભ ઝુલાવે.

બ્હાદર ઊઠે !

બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઉઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે
ઘર ઘરમાંથી માટી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે !
જાણે આભ મિનારા ઊઠે !

ઊભો રે’જે

ત્રાડ પડી કે ઊભો રે’જે !
ગીરના કુત્તા ઊભો રે’જે !
કાયર દુત્તા ઊભો રે’જે !
પેટભરા ! તું ઊભો રે’જે !
ભૂખમરા ! તું ઊભો રે’જે !
ચોર લૂંટારા ઊભો રે’જે !
ગા-ગોઝારા ઊભો રે’જે !

ચારણ કન્યા

ચૌદ વરસની ચારણ કન્યા
ચૂંદડીયાળી ચારણ કન્યા
શ્વેતસુંવાળી ચારણ કન્યા
બાળી ભોળી ચારણ કન્યા
લાલ હિંગોળી ચારણ કન્યા
ઝાડ ચડંતી ચારણ કન્યા
પહાડ ઘૂમંતી ચારણ કન્યા
જોબનવંતી ચારણ કન્યા
આગ ઝરંતી ચારણ કન્યા
નેસ નિવાસી ચારણ કન્યા
જગદમ્બા શી ચારણ કન્યા
ડાંગ ઉઠાવે ચારણ કન્યા
ત્રાડ ગજાવે ચારણ કન્યા
હાથ હિલોળી ચારણ કન્યા
પાછળ દોડી ચારણ કન્યા

ભયથી ભાગ્યો !

સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઈ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !

– ઝવેરચંદ મેઘાણી. .

Sunday 27 August 2017

ગુજરાતી સાહિત્યના અદભુત શેર

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.
*- ઓજસ પાલનપુરી*

અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,
તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે?
*- અનિલ ચાવડા*

દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.
*– મરીઝ*

જીવ હજી તો જભ્ભામાં છે,
ફાટી ગઈ છે જાત કબીરા.
*- ચંદ્રેશ મકવાણા*

તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.
*- રાજેશ વ્યાસ 'મિસ્કીન'*

આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી,
અર્થ એનો એ નથી કે કોઈએ સફર ખેડી નથી.
*- રાજેશ વ્યાસ 'મિસ્કીન'*

આ અહીં પ્હોંચ્યા પછીથી એટલું સમજાય છે,
કોઈ કંઈ કરતું નથી બસ આ બધું તો થાય છે.
*- રાજેન્દ્ર શુક્લ*

હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને,
કોક દરવાજો કરી દે બંધ તો!
*- ચિનુ મોદી*

જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર,
પાંપણ કદીયે રહી શકે મટકું ભર્યા વગર?
*- મનહર મોદી*

પાનખર વીતી છતાં ખરતાં રહે છે
પાંદડાને લાગી આવ્યું પાંદડાનું.
*- ઉદયન ઠક્કર*

શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,
ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો!
*- અનિલ ચાવડા*

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નીજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
*- જલન માતરી*

ઘર સુધી તું આવવાની જીદ ન કર,
ઘર નથી નહીંતર હું ના પાડું તને?
*- ખલીલ ધનતેજવી*

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોના વરસ લાગે.
*- મનોજ ખંડેરિયા*

ક્રોધ મારો જોઈને ડરશો નહીં,
પુષ્પના ડાઘા કદી પડતા નથી.
*- ચિનુ મોદી*

ભૂલ જો થાય મિત્રોની તો માફ કર,
જીભ કચડાય તો દાંત તોડાય નૈં.
*- અનિલ ચાવડા*

ચિંતા કરવાની મેં છોડી,
જેવું પાણી એવી હોડી.
*- ભાવેશ ભટ્ટ*

સિગારેટને રસ્તા ઉપર આ રીતથી ન ફેંક ભાઈ,
આ દેશમાં ચંપલ ઘણાં તળિયેથી કાણા હોય છે.
*- ભાવિન ગોપાણી*

અફસોસ કેટલાય મને આગવા મળ્યા,
ગાલીબને મારા શેર નથી વાંચવા મળ્યા.
*- ભરત વીંઝુડા*

સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ,
ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ.
*- અનિલ ચાવડા*

શ્રદ્ધાનો હો વિષય ત્યાં પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી.
*- જલન માતરી*

બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,
મિલનમાંથી નથી મળતા મહોબતના પુરાવાઓ.
*- મરીઝ*

જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.
*- મરીઝ*

કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ?
કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે ?
*- ઉદયન ઠક્કર*

હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું,
પગરખાં નહીં બસ અભરખા ઉતારો.
*- ગૌરાંગ ઠાકર*

જત જણાવવાનું તને કે છે અજબ વાતાવરણ,
એક ક્ષણ તું હોય છે ને એક ક્ષણ તારું સ્મરણ.
*- રાજેન્દ્ર શુક્લ*

તમને સમય નથી અને મારો સમય નથી,
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી.
*- બાપુભાઈ ગઢવી*

રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એજ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.
*- બરકત વિરાણી ‘બેફામ’*

તફાવત એ જ છે,તારા અને મારા વિષે, જાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું
*- અમૃત ઘાયલ*

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શકયો બહુ અંગત અંગત નામ હતાં.
*- સૅફ પાલનપુરી*

તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે,
હું કહું છું જિંદગી ધોવાય છે.
*– શયદા*

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
*- આદિલ મન્સૂરી*

બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.
*- મરીઝ*

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
*- મરીઝ*

સમયની શોધ થઈ તેની આગલી સાંજે
મેં ઈંતજારને શોધ્યો હતો ખબર છે તને?
*- મુકુલ ચોક્સી*

હસ્તરેખા જોઈને સૂરજની કૂકડાએ કહ્યું,
આપના પ્રારબ્ધમાં બહુ ચડ-ઉતર દેખાય છે.
*- ઉદયન ઠક્કર*

મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
*– મરીઝ*

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
*- ગની દહીંવાલા*

જ્યારથી એ જણ કશાની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.
*- અનિલ ચાવડા*

જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ગની,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.
*- ગની દહીંવાલા*

Thursday 24 August 2017

બે ભાઇઓ ઓફિસથી થાક્યા પાક્યા ઘેર આવ્યા. ઘરે આવ્યા ત્યારે તેને ખબર પડી કે


બે ભાઇઓ ઓફિસથી થાક્યા પાક્યા ઘેર
આવ્યા. ઘરે આવ્યા ત્યારે તેને ખબર પડી કે આજે લીફટ બંધ છે અને એ કોઇપણ
સંજોગોમાં ચાલુ થઇ શકે તેમ નથી. એમનો ફ્લેટ
80માં માળ પર
આવેલો હતો પણ હવે પગથિયા ચઢવા સિવાય બીજો કોઇ વિકલ્પ
નહોતો. એટલે વાતો કરતા કરતા 20 માળ ચઢી ગયા...

20માં માળે
પહોંચ્યા પછી વિચાર્યુ કે આપણા ખભા પર આ થેલાઓ લઇને ચઢીએ
છીએ પણ આ થેલાઓ તો કાલે પાછા લઇ જ જવાના છે તો એ અહિંયા જ છોડી દઇએ.

20માં માળ પર
થેલા છોડીને એ આગળ વધ્યા ભાર હળવો થવાથી હવે એ
સરળતાથી આગળ વધી રહ્યા હતા.

40માં માળ
પર પહોંચ્યા પછી થોડો થાક લાગ્યો અને કંટાળ્યા પણ હતા એટલે વાતો કરતા કરતા બંને ઝગડવા લાગ્યા.
એક બીજાપર દોષોના ટોપલા ઢોળતા જાય અને દાદરા ચઢતા જાય.

60માં માળ પર
પહોંચ્યા પછી સમજાયુ કે હવે ક્યાં વધુ ચઢવાનું બાકી છે તો પછી શા માટે ખોટા ઝગડીએ છીએ હવે તો બસ ખાલી 20
દાદરા જ ચઢવાના બાકી છે. બંને ઝગડવાનું બંધ કરીને આગળ વધ્યા અને

80માં માળ પર
આવી પહોંચ્યા અને હાશકારો થયો. મોટાભાઇએ
નાનાને કહ્યુ, “ઘર પર તો કોઇ છે જ નહી ચાલ ઘરની ચાવી લાવ.”
નાનાએ કપાળ પર હાથ
દઇને કહ્યુ , “ અરે , ચાવી તો 20માં માળ પર રાખેલા થેલામાં જ રહી ગઇ.”...

*જીવનમાં પણ કંઇક આવુ જ બને છે*

*પ્રથમ 20*
વર્ષ સુધી આપણે માતા-
પિતાની અપેક્ષાઓનો બોજો લઇને જ ચાલીએ
છીએ.

*20 વર્ષ બાદ*
અપેક્ષાનો બોજો હળવો થતા જ મુકત બનીને જીવીએ કોઇ રોકનાર નહી કોઇ ટોકનાર નહી.

*40 વર્ષ પછી*
સમજાય કે મારે જે કંઇ કરવુ હતુ એ તો થયુ જ નથી એટલે અસંતોષની આગ જીવનને દઝાડે , ઝગડાઓ શરુ થાય.

 આમ કરતા કરતા
*60 વર્ષ પુરા*
થાય પછી વિચારીએ
કે હવે ક્યાં ઝાઝુ ખેંચવાનું છે ખોટી માથાકુટ શું કરવી.

જ્યારે
*80 વર્ષે*
પહોંચીએ ત્યારે સમજાય
કે મારા 20માં વર્ષે જોયેલા સપનાઓ તો સાર્થક થયા જ નહી. બસ આમ જ જીવન
પુરુ થઇ ગયુ.

*યુવાનીમાં જોયેલા સપનાઓને સાર્થક કરવાનો શ્રેષ્ઠ સમય યુવાની જ છે. *80 વર્ષે*
*જે જોઇતું હોઇ એ મેળવવાની*
 *શરુઆત*
*20માં વર્ષથી જ કરી દેવી*

સ્વચ્છ પખવાડિયાની ઉજવણી બાબત.